અમારા વિશે (About Us)

વર્તમાન યુગમાં સંસાર રૂપી ભવસાગર તરી જવા માટે જ્ઞાની મહાપુરુષોએ બે મહત્વ ના મધ્યમ માર્ગ બતાવ્યા છે. ૧) જિન બિમ્બ ૨) જિન આગમ “વિષમ કાળ જિનબિંબ જિનાગમ ભવિયણકુ આધારા જિંણદા તેરી અખિયન મેં અવિકારા”જિન આગમ સુત્રોંનું  પૂજન, વાંચન, અને શ્રવણ આપણા મહાપુરુષો ,શ્રમણ અને શ્રમણી ભગવંતો રોજબરોજ ચતુર્વિધ સંઘને કરાવી રહ્યા છે, પરંતુ જિન બિમ્બના દર્શન, સેવા, પૂજા, અર્ચના, અને ભક્તિ કરવા માટે વ્યક્તિએ પોતેજ પોતાના રોજિંદા દૈનિક કર્તવ્યો માંથી સમય કાઢવો પડેછે, ક્યારેક વ્યક્તિઓ પોતાની વિશિષ્ઠ સેવા પૂજા અને ભક્તિના ભાવ પ્રકટ કરવા તીર્થ સ્થળો નું માધ્યમ સ્વીકારેછે,જેમાં અર્વાચીન, પ્રાચીન, અને કલાત્મક તીર્થોની યાત્રાઓ કરીને વ્યક્તિ પોતાની જાતને ધન્યતા અનુભવે છે. અને આવી યાત્રા વ્યક્તિના જીવનના અંતકાળ સુધી એક ચિરસ્મરણીય સંભારણું બની રહેછે, તીર્થ સ્થળોને વારંવાર જુહારવાથી દર્શન, સેવા,પૂજા, ભક્તિ કરવાથી પુણ્યના ભંડાર ભરાય છે. અને પૂર્વના સંચિત પાપ કર્મ વિનાશ પામેછે.

ગુજરાત રાજ્યના ઉત્તરગુજરાતમાં અરાવલી પર્વતોની ગીરિમાળાની વચ્ચે  કુદરતી રીતે વસેલું શ્રીતારંગાજી તીર્થ ખુબજ પ્રાચીન છે. કુદરતી અને નૈસર્ગીક વાતાવરણ વચ્ચે ટીમ્બા ગામથી ૪ કિલોમીટર હિલ ઉપર આવેલુંછે મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાન અહીં બિરાજમાન છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ના અમૃત વચનો સાંભળી ને ગુર્જર નરેશ જીવદયા પ્રતિપાલકં મહારાજા કુમારપાળે આજથી લગભગ ૭૦૦ વર્ષ પહેલા નિર્માણ કરાવ્ય્યુ્ હોય એમ જણાય છે. દુનિયા ભરનાં તમામ જૈન મંદિરો ના શિખરોથી સૌથી વધારે ઊંચાઈ ધરાવતું શિખર આ જિન મંદિરની વિશિષ્ટ શોભા છે.આવા વિશિષ્ટ તીર્થ ને જુહારવા અને દર્શનાર્થે દેશ વિદેશ થી લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવેછે, વર્તમાન ચોવીશીના બીજા તીર્થંકર શ્રી અજિતનાથ પ્રભુના આ જિનાલય નો ઉલ્લેખ સક્લતીર્થ માં કરવામાં આવેલો છે. (તારંગે શ્રી અજિત જુહાર). અત્રે પધારતા યાત્રિકો ની સુચારુ વ્યવસ્થા માટે ધર્મશાળા અને ભોજનશાળા ની ખુબજ સુંદર વ્યવસ્થા છે. ધર્મશાળા ની વ્યવસ્થા શ્રી આંણદજી કલ્યાણજી ની પેઢી સાંભળે છે. વર્તમાન જરૂરિયાતોને ધ્યાનમાં લઈને ખુબજ સ્વચ્છ અને સુંદર ધર્મશાળા યાત્રિકો માટે ખુબજ ઉપયોગી છે. 

પ્રવર્તમાન યુગમાં રોજિંદી જરૂરિયાતો થી દૂર થઇ વ્યક્તિ જયારે પ્રભુ પંથે આવતો હોયતો તેની સાધર્મિક ભક્તિનું એક ઉચિત કામ આ તીર્થમાં આજથી લગભગ ૮૨ વર્ષ પહેલા શ્રી તારંગાજી તીર્થ ઉપર સંવત ૧૯૯૧ ના કારતક વદ – ૨ બુધવારના રોજ પ્રાચીન તીર્થઉદ્ધારક તપાગચ્છાચાર્ય શ્રી વિજયનીતિ સુરીશ્વરજી મહારાજ સાહેબના પ્રથમ શિષ્ય અનુયોગાચાર્ય પન્યાસ દાનવિજયગુણી મહારાજ સાહેબ તથા તેમના શિષ્ય મુનિ કેસરવિજયજી ના સદુપદેશથી કોઠાસણા ગામના નિવાસી મહેતા મણિલાલ લીલાચંદ ના વિધવા પત્ની મણીબેને તે સમયે રૂપિયા ૧૫૦૧/- આપી અને ભોજનશાળાનું રસોડું શરુ કરાવ્યું હતું, ત્યારબાદ જૈન સંઘો, સદ્દગૃહસ્થો તથા તિથિઓની રકમ મળવાથી આ સંસ્થા નાના પાયે શરૂ થઇ,   અપૂરતા વાહનવ્યવહાર ના કારણે યાત્રાએ આવતા યાત્રાળુ ને ૩ દિવસ રોકાવું પડતું હતું, યાંત્રિક માટે જમવાની અને ચૌવિહાર -નવકારશીની વ્યવસ્થા કરવમાં આવી. અને ૩ દિવસ ૩ ટાઈમ યાત્રિકો પાસેથી કોઈ ચાર્જ લેવાતો નહોતો, ધીરે ધીરે સગવડો વધતી ગઈ યાત્રિકો ની જરૂરિયાતો વધતી ગઈ અને સ્થાનિક લોકોએ શ્રી તારંગાજી તીર્થ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક  ભોજનશાળા સઁસ્થા નું નિર્માણ કર્યું જેના આદ્ય સ્થાપક વડીલ શેઠશ્રી ચીમનલાલ પોપટલાલ બ્રોકર (લાલ બંગલો અમદાવાદ ) નો ચિરસ્મરણીય અને સિંહ ફાળો રહ્યો, વર્ષો વીતતા ગયા વડીલો વૃદ્ધ બનતા ગયા. વહીવટદારો બદલાતા ગયા. પરંતુ દરેક વહિવટદારે આ ભોજનશાળા પ્રત્યે પોતાના તન, મન અને ધન થી સેવાઓ આપીને આ તીર્થની ભોજનશાળા પ્રત્યે પોતાની લાગણી, આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરીછે, તેમ છતાં કર્મઠ શ્રી ચીમનકાકા ને એવો વિચાર આવ્યો કે જો ભોજનશાળાનો વહીવટ તીર્થની નજીક રહેતી કોઈ સ્થાનિક  વ્યક્તિ કરે તો વધારે સારી રીતે યાત્રાળુઓ ની ભક્તિ કરી શકાય, એવા મૂલ્યો ને ધ્યાન માં લઈને પોતાના ૨૫ વર્ષના અનુભનો સંપૂર્ણ નિચોડ પોતાના જ્યેષ્ઠ પુત્ર શ્રી હેમંતભાઈ અને ઉમતા  નિવાસી શ્રી શાંતિલાલ મોહનલાલ શાહ  ને સોંપીને પોતે નિવૃત્ત થયા, શાંતિભાઈ એ લગભગ ૧૦ વર્ષ સુધી આ સંસ્થામાં પોતાનું મહત્વ નું યોગદાન આપ્યું, તબીયત ની નાદુરસ્તી ના કારણે તેમને સદર. સંસ્થાનો વહીવટ વિસનગર નિવાસી શેઠશ્રી કાંતિલાલ રતનચંદ વખારિયા ને સોંપ્યો, અસહ્ય મોંઘવારી વધતી ગઈ. જરૂરિયાતો વધતી ગઈ. યાત્રિકો વધતા ગયા. અવનવી નવી યોજનાઓ બની. અને શ્રી કાંતિભાઈએ લગભગ ૧૦ વર્ષ સુધી પોતાનું સંપૂર્ણ યોગદાન આ સંસ્થાને આપ્યું,અને નાદુરસ્ત તબિયત ના કારણે તેમણે સમગ્ર  ભોજનશાળાનો વહીવટ સર્વાનુમતે તેમના જ્યેષ્ઠ પુત્ર શ્રી સુમનભાઈ વખારિયા ને સોંપવામાં આવે છે.

ભોજનશાળામાં આવનાર યાત્રિકોની સંખ્યા વધતી ગઈ,વાહનવ્યવહાર વધતો ગયો, તીર્થનો વિકાસ થતો ગયો.જરૂરિયાતો હવે સગવડ લાગવા માંડી, શ્રી સુમનભાઈની  પોતાની આગવી કોઠાસૂઝ, અગમચેતી અને પારદર્શક વહીવટ ના કારણે આ સંસ્થા ને મોટી મોટી રકમોની ભેટ મળવા લાગી, દિલેર દિલના દાનવીરોએ શ્રી તારંગા જૈન ભોજનશાળા ને ખુબજ સમૃદ્ધ અને સધ્ધર બનાવવામાં ખુબજ યશપૂર્ણ અને મહત્વ નો ફાળો આપ્યો,અનેકવિધ યોજનાઓ મુકવામાં આવી જે તરતજ ભરાવવા લાગી, જેનો સંપૂર્ણ યશ શ્રી સુમનભાઈ ના ફાળે જાયછે, ધાર્મિક,સામાજિક, શૈક્ષણિક અને સલાહકાર તરીકે લગભગ ૪૫ થી વધારે સંસ્થામાં તેઓ મેનેજીંગ ટ્રસ્ટી પદ શોભાવતા રહ્યા, પરંતુ તેમના સમગ્ર જીવનકાળ દરમ્યાન ભોજનશાળા મોખરે રહી. આ સંસ્થા ની તેમણે ૩૫ વર્ષ સુધી અવિરત સેવા કરી.ભોજનશાળા ની સમગ્ર કાયા પલટ કરી દીધી,શ્રી તારંગા જૈન ભોજનશાળા ના તેઓ સાચા સેવક અને દીર્ઘકાલીન વહીવટદાર બન્યા।, તારીખ ૨૪ જુન ૨૦૧૪ ના રોજ તેઓ શ્રી અરિહંત શરણ થયા. સ્થાનિક સમાચાર પત્રો, વર્તમાન પત્રો અને સોશ્યિલ મીડિયા એ  તેમના મૃત્યુ ને શ્રી સુમનભાઈનો કાળધર્મ થયો છે. એવી વિશેષ ફૂટનોટ મૂકી અને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી.

૧૩ જુલાઇ ૨૦૧૪ ના રોજ તારંગા મુકામે ટ્રસ્ટીગણ અને કારોબારી સભ્યોની હાજરીમાં શ્રી તારંગા જૈન ભોજનશાળાનું સંપૂર્ણ સુકાન શ્રી સુમનભાઈ વખારિયા ના જ્યેષ્ઠ પુત્ર શ્રી કૌશિક્ભાઈને મેનેજીંગ ટ્રસ્ટી બનાવી અને સમગ્ર જવાબદારી સોંપવામાં આવી.બે વર્ષ ના ટૂંકા ગાળામાં તેમને ભોજનશાળા ની જરૂરિયાતો,યાત્રિકોની જરૂરિયાતો વિગેરે ધ્યાનમાં લઈને ભોજનશાળાની એક નવી દિશા અને નવું સ્વરૂપ આપ્યું, અને પોતાના પાયાના વિચારો,ભોજનશાળા ના નામી અને અનામી દિલેર દાતાઓ।, દીર્ઘકાલીન સેવા પ્રદાન કરનારા ટ્રસ્ટીઓ ના ઋણસ્વીકાર ના એક જાજરમાન પ્રોગ્રામનું આયોજન થયું,અને શ્રી તારંગા જૈન ભોજનશાળા ના પુરા થતા 81વર્ષને અમૃત મહોત્સવ નામ આપી અને ૨ દિવસ નો પ્રોગ્રામ નક્કી થયો , દાતા પરિવારોને આગોતરા આમંત્રણ મોકલાયા, અને તારીખ ૨૦ અને ૨૧ જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ ઋણ સ્વીકાર નો અદભુત,અને અજોડ પ્રભુભક્તિ સાથેનો કાર્યક્રમ ઉજવાયો, જેમાં સમારંભ ના પ્રમુખ પદે શેઠ શ્રી આણંદજી કાલ્યાણજી નીપેઢીના પ્રમુખ શેઠશ્રી સંવેગભાઇ લાલભાઈ ઉપસ્થિત રહ્યા હતા  અતિથિ વિશેષ ના પદ ઉપર ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ એસોસિએશન ના સેક્રેટરી શેઠ શ્રી નિખીભાઈ પ્રાણલાલભાઈ પરીખ ઉપસ્થિત રહીને પ્રસંગ ની શોભામાં જબરજસ્ત અભિવૃદ્ધિ કરીહતી, છેલ્લા 81 વર્ષમાં દાન આપનાર દાતાઓનો સંપર્ક કરી તેમને તારંગા મુકામે બોલાવી શાલ,હાર,ચાંદીનો સિક્કો,શ્રીફળ અને મોમેન્ટો અર્પણ કરીને ઉચિત સન્માન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા, આસપાસ ના ઘણા જૈનસંઘો, વ્યક્તિ વિશેષ લોકો,અને જૈન સમાજના મોભી ગણાતા લોકોએ સમય અને કાર્ય ને ગૌણ કરીને પ્રસંગની શોભામાં જે અભિવૃદ્ધિ કરી તેબદલ ભોજનશાળા ના ટ્રસ્ટીગણ વતી આભાર માનવામાં આવ્યો,આ પ્રસંગે આ સંસ્થાની દીર્ઘકાલીન સેવા પ્રદાન કરનાર ડોક્ટરશ્રી હેમંતભાઈ ચીમનલાલ બ્રોકર અને શેઠશ્રી ગૌરવભાઇ અનુભાઈ શેઠ નું ખુબજ જાજરમાન સન્માન સાથે તેમણે આપેલી સેવાઓને સન્માનપત્ર દ્વારા સન્માનિત કરાઈ, તદ્દઉપરાંત શેઠશ્રી સુમનલાલ કાંતિલાલ વખારિયા ને મરણોત્તર સન્માન સાથે તેમણે આપેલી ગૌરવવંતી સેવાઓને યાદ કરીને અમૃત મહોત્સવને ખરા અર્થમાં અમૃત સમાન બનાવી દીધો, આ સિવાય સંસ્થામાં છેલ્લા 22 વર્ષથી મેનેજર તરીકે સેવા આપીરહેલા શ્રી દિનેશભાઇ નાયક ને  અને સ્ટાફ ના સભ્યોને પણ સન્માનિત કરાયા, અમૃત મહોત્સવને જાજરમાન બનાવી સંઘ અને સમાજને એક નવી દિશા બતાવી પોતાની કૌશલતા,વિવેક અને ઠાસૂઝ જેઓએ સંસ્થા પ્રત્યે દેખાડ્યા અને જેમના પરિવારની ત્રણ પેઢી આ સંસ્થાની તન,મન અને ધન થી સેવાઓ આપી રહી છે એવા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કૌશિકભાઈ વખારિયા નું ઉચિત સન્માન શ્રી તારંગા જૈન ભોજનશાળાના તમામ પદાધિકારીઓ અને કાર્યક્રમના પ્રમુખપદેબિરાજમાન શ્રી સંવેગભાઇ લાલભાઈ ના હાથે કરવામાં આવ્યું, અમૃત મહોત્સવની વિશેષતા એ રહી કે લોકોના મોઢે એકજ વાત હતી કે કોઈ ભોજનશાળાએ દાતા પરિવારોનું આવું સન્માન કર્યું હોય એવું યાદ નથી. આ પ્રસંગે ને જીવંત બનાવનાર સંચાલક શ્રી ઉત્તમભાઈ છેડા, પ્રભુભક્તિ અને સંધ્યાને સંગીતમય બનાવનાર શ્રી મહાવીરભાઈ શાહ ભાવતા ભોજન પીરસનાર શ્રી હીરજીભાઈ પુરોહિત અને સ્ટેજ,લાઈટ,મંડપ,વિગેરે ની સેવા પ્રદાન કરનાર શ્રી દિનેશભાઇ સંઘવીનું પણ સંસ્થા દ્વારા બહુમાન કરવામાં આવ્યું, શ્રી તારંગા જૈન ભોજનશાળા ના ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યોએ ખુબજ જહેમત ઉઠાવી અને ૮૧ વર્ષના અમૃતમહોત્સવને સાંજ અને સંઘોમાં વિશિષ્ટ ગૌરવ પ્રદાન કર્યું, તેમાટે આ સંસ્થા હંમેશા તેમની ઋણી રહેશે.

આત્મીયજનો

આ પ્રસંગ જેમણે માણ્યો અને હાજર રહી અને જોયોછે તે તેમના માટે એક દિવ્ય સંભારણું બની ગયુ છે. પરંતુ જેઓ કોઈને કોઈ કારણે આવી ના શક્યા તેઓ માટે સમગ્ર પ્રસંગને લાઈવ કરીને આ વેબસાઈટ ઉપર ફોટા અને વિડીઓ ના માધ્યમથી રાખવામાં આવ્યાછે, અંતમાં શ્રી અજિતનાથ પ્રભુના દિવ્ય સાનિધ્ય માં અને જિનાલય ના પ્રાંગણ માં ઉજવાયેલ પ્રસંગ જોવાલાયક, માણવાલાયક અને અનુમોદનીય બન્યો તે બદલ દરેક દાતાઓ, કાર્યકરો,ટ્રસ્ટીઓ, મૂકસેવકો અને હાજર રહેલા તમામ મહાનુભાવો તેમજ આમન્ત્રણને માન આપીને પધારેલા મહેમાનો નો હ્રદય પૂર્વક આભાર માનું છું, અસ્તુ, પ્રણામ,જય જિનેદ્ર.